
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી સત્રમાં જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત ખવાએ એવો આરોપ મૂક્યો હતો કે, રાજયમાં છેલ્લા 10 વર્ષથી ખેડૂતો જમીન માપણીથી હેરાન થઈ રહ્યા છે.જામનગરમાં 83 હજાર અરજીની સામે માત્ર 13 હજાર અરજીનો જ નિકાલ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
આપના ધારાસભ્ય હેમંત ખવા જ્યારે વિધાનસભા આવ્યા ત્યારે સફેદ ટી-શર્ટ પહેરીને આવ્યા હતા, જેની પર ખોટી જમીન માપણી રદ્દ કરો તેવું લખાણ લખેલું હતું. જો કે, ધારાસભ્ય જ્યારે આવું લખાણ સાથે પહેરીને વિધાનસભામાં આવ્યા ત્યારે તેમને ગૃહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેની પર તેમને કહ્યું કે, આવો કોઈ વિધાનસભાના સત્રમાં આવવા અંગેનો કોઈ નિયમ નથી છતાં મને બહાર કાઢયો છે. અધ્યક્ષે રૂલિંગ આપ્યું એટલું હું ના ન પાડી શક્યો એટલે રૂબરૂ મળીને નિયમ અંગે હું વાત કરીશ. ફરી તેમને જમીન માપણી અંગે જણાવ્યું કે, આ ભૂલ નથી પરંતું કૌભાંડ છે અને ભાજપના મળતિયાઓને લાભ અપાવવા ખોટી માપણી કરી છે.