
Gram Panchayat Election: રાજ્યમાં ગત રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અઢી વર્ષના ગાળા બાદ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. જે બાદ અમદાવાદમાં તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 2.13 લાખ મતદારો પોતાનો કિંમતી મત આપશે.
અમદાવાદમાં અંદાજે 1.10 લાખ પુરુષ અને 1.03 લાખ મહિલા મતદારો નોંધાયેલા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 241 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. 64 સામાન્ય અને વિભાજન, 177 પેટા ગ્રામપંચાયત માટે ચૂંટણી યોજાશે. 2000થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ પોલિંગ બુથ પર કામગીરી કરશે. સમગ્ર ચૂંટણીની કામગીરી માટે જુદા-જુદા વિભાગમાં કુલ 16 નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કામગીરી પૂર્ણ થઈ છે. 343 કુલ મતદાન મથકો, 78 સંવેદનશીલ, 3 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર આગામી 22 જૂને ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાની 223 ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 22 જૂને કુલ 1.91 લાખ મતદાતાઓ ગામડાંઓની સમૃદ્ધિ માટે કરશે મતદાન. જેથી તંત્ર દ્વારા 2060 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓનું ચૂંટણી કામ માટે લિસ્ટ ત્યાર કરવામાં આવ્યું. ચૂંટણી જાહેરાત થતાની સાથે આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દર વખતે લોહિયાળ બને છે તે પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ સ્ટાફને પણ આજથી કામે લગાવામાં આવ્યો છે.
રાજકોટ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 307 બેઠકો ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ નિવેદન આપ્યું છે. રાજકોટ જિલ્લામાં પાંચ લાખ કરતાં વધુ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે. વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય તે માટે વહીવટી તંત્ર કામ કરશે. સંવેદનશીલ બુથોની પણ યાદી મંગાવવામાં આવી છે. જરૂર પડશે તો પેરામિલેટરી ફોર્સની માંગણી પણ કરવામાં આવશે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની 22 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. જેની આતૂરતાથી રાહ જોઈ રહેલી ગ્રામપંચાયતોની સત્તા હાંસલ કરવા સરપંચ અને સભ્યના દાવેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગેસનો ગઢ ગણાતા ઉમરગામ તાલુકામાં ભાજપનું શાસન હોય સ્થાનિક ધારાસભ્યે બાવીસ ગ્રામપંચાયતો પર ભાજપ પ્રેરિત સરપંચ જીત મેળવશે તેવો દાવો કર્યો છે. ઉમરગામ તાલુકામાં કોંગ્રેસનું નબળું પડેલું સંગઠન ભાજપ માટે ફાયદાકારક રહ્યું છે. જોકે આ વખતે ગામોમા ભાજપ પ્રેરિત દાવેદારોનો રાફડો ફાટી શકે છે.
અંકલેશ્વર તાલુકા ની 27 ગ્રામપંચાયતો ની ચૂંટણી જાહેર થતા તાલુકા નું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે 27 પંચાયતોમાં 18 સરપંચ અને 166 વોર્ડના સભ્યો સાથે 69 મતદાન મથકો ઉપર 22 જૂને મતદાનને 25 જૂને પરિણામ જાહેર કરશે ત્યારે મામલતદાર કચેરીમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની, રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે. જેમાં 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ જશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસે રહેશે, 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી , 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ 22 જૂને મતદાન યોજાશે.અને 25 જૂનના રોજ પરિણામ જાહેર કરાશે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી યૂંટણી યોજાશે.ત્યારે અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામપંચાયતો ની જાહેર થયેલ ચૂંટણીને લઇ તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઇ કર્મચારીઓ સાથે તાલુકાની 27 પંચાયતોમાં સરપંચની 18 બેઠકો અને 166 વોર્ડ ના સભ્યો માટે મિટિંગ યોજી તમામ તૈયારીઓ શરુ કરી છે. આ ચૂંટણીમાં 69 મતદાન મથકો 138 મતદાન પેટી 7 જેટલા ચૂંટણી અધિકારીઓ 375 પોલિંગ સ્ટાફ ,અને 150 જેટલા પોલીસ સ્ટાફ ની નિમણૂક કરવામાં આવી છે 27 પંચાયતો માં 29 હજાર 865 પુરુષ મતદારો અને 28 હજાર 541 મહિલા મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે ત્યારે પંચાયતની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સજ્જ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.