ગુજરાતના વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી. આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રવાસનું આયોજન કરવું નહીં. જોકે, હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન બનાવી રાજ્ય સરકારને મોકલી હતી. જેમાં જરૂરી સુધારા-વધારા કરી મંજૂરી આપવામાં આવી છે. હવે શાળામાંથી બાળકોને પ્રવાસ લઈ જવા માટે જાહેર કરવામાં આવેલી આ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

