
ગીર સોમનાથ જિલ્લા તંત્રની ખનીજ માફિયાઓ સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લીઝમાંથી ગેરકાયદેસર નિકાસ માટે સીમર પોર્ટ પ્રા.લી./રાજમોતી પોર્ટ્સ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ક્વોરી લીઝને 18.14 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર પર થોડા દિવસ પહેલા ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવ્યો હતો.
કલેક્ટરની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એક્શન મોડમાં જોવા મળતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા 17 ફેબ્રુારી 2025ના રોજ પાટણ-વેરાવળ તાલુકાના લુમ્ભા ગામના વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનીજની સીમર પોર્ટ પ્રા.લી./રાજમોતી પોર્ટ્સ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ક્વોરી લીઝની જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી.
આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી 3,99,627 મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કૂલ 18,14,30,658 જેટલી દંડકીય રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કંપનીએ ધારણ કરેલ જમીન લેનાર દ્વારા મંજૂરી લીધા વગર જ ખરીદી કરવામાં આવી હોવાથી શરતભંગ કરેલ છે. શરતભંગ માટેની કાર્યવાહી અલગથી હાથ ધરવામાં આવશે.