
ગીર-સોમનાથમાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. અહીં તા.18 માર્ચથી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે.
બીચ સ્પોર્ટ્સ ફૅસ્ટિવલ દ્વારા ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં યોજાઈ રહ્યો છે, ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
"સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ"ની ટેગલાઈન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે, તેમ ઉમેર્યું હતું.આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.
આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે.