
ગુજરાત હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે જેને પગલે આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો જોવા મળશે જેથી ગરમીમાં આંશિક રાહત જોવા મળશે.
ત્યારબાદ 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે જેમાં તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળશે. તાપમાનમાં ફરી વધારાને કારણે 15થી 17 એપ્રિલના રોજ હિટવેવ થવાની શક્યતા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15થી 17 એપ્રિલના રોજ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય
ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થયું છે. રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના મોજાના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ના કરાવવાનો આદેશ આપ્યો છે.
જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર, બપોરે 1થી 4:00 વાગ્યાના સમયગાળા શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ કર્યો છે.
શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન
આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.