એક તરફ ગુજરાત પોલીસે અસામાજીક તત્વો વિરુદ્ધ કડક પગલે કાર્યવાહી કરવા એક્શન મોડમાં આવી છે તેમ છતાં ચોર તસ્કરોની ટોળકી હજુપણ કાર્યરત જોવા મળી રહી છે. એવામાં જામનગરમાંથી ચેઈન સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે. જેમાં જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ધોળે દહાડે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી રૂપિયા દોઢ લાખના સોનાની ચેઇન ખેંચીને ચોરી કરવામાં આવી હતી. નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટરમાં આવેલા બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન ઝુંટવીને છુમંતર થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, એક એપાર્ટમેન્ટના ગેઇટ પાસે ૬૫ વર્ષના વૃદ્ધ મહિલા પોતાના પૌત્રને રમાડી રહ્યા હતા. એવામાં ધોળા દહાડે નંબર પ્લેટ વગરના સ્કૂટરમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી રૂપિયા દોઢ લાખની કિંમતના સોનાના ચેઇનની ચોરી કરી ચીલ ઝડપે ફરાર થઈ ગયા હતા. મામલાની જાણ કરાતા પોલીસ દ્વારા આગળની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. જો કે, બંને ગઠીયાઓ રસ્તા પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જેથી સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.