સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી જંગલી જાનવરોના હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ થોડા સમય પહેલા જ અમરેલીમાં એક દીપડાએ બે વર્ષના બાળકને ફાળી ખાધું હતું. તેના થોડા દિવસ બાદ ગીર સોમનાથમાં સિંહણે તેના બચ્ચાઓ સાથે ખેતરમાં કામ કરતા એક ખેડૂતને ફાળી ખાધો હતો. એવામાં જુનાગઢમાંથી ફરી આ પ્રકારના જ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક ગામમાં બે સિંહ અચાનક આવી ગામના પાંચ પશુઓ પર જીવલેણ હુમલો કર્યો હતો.
જુનાગઢ માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે એકીસાથે પાંચ જેટલા પશુઓના સિંહના ટોળાંએ મારણ કરતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. મોડી રાત્રે માનખેત્રા ગામે અચાનક બે સિંહ આવી ચડયા હતા અને અલગ અલગ જગ્યાએ પાંચ જેટલા પશુઓના મારણ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે આ બાબતે ગામલોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બપોરનાં ૧૧ વાગ્યે આસપાસ ફોરેસ્ટ કર્મચારીઓ આવીને તપાસ કરી હતી પરંતુ ફોરેસ્ટ અધિકારીઓએ ગામલોકોના ફોન નહીં ઉપાડ્યો હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. જ્યારે સિંહ દ્વારા પશુઓનું મારણ કરતા હોવાનું વીડિયો સામે આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.