
જૂનાગઢ શહેર સહિત ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ ઘટના આજે કેશોદના સોંદરડા ગામ નજીક એક જ સમયે અલગ-અલગ આત્મહત્યાની ઘટનામાં યુવક અને યુવતીના મોત થયા હતા.
કેશોદ તાલુકાના સોંદરડા ગામ અને તેની નજીક આપઘાત કરી લેતા એક યુવતી અને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે આખા પંથકમાં ચકચાર મચી હતી. બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. આપઘાતની જાણ થતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીને બંને મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં મોતનું કારણ જાણી શકાશે.
જો કે, પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે. સોંદરડા ગામના યુવક અને યુવતીના મોતને લીધે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે રેલવે ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વ્હાલું કર્યાનું સામે આવ્યું છે. જ્યારે યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો