વડોદરા જિલ્લાના સાવલીમાં બુટલેગરનો જાહેરમાં કેક કટિંગનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જાહેરમાં ઘાતક હથિયારથી કેક કાપતો વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. સાવલીમાં લિસ્ટેડ બુટલેગર સાગર જયસ્વાલ અને તેના કુખ્યાત સાથીદાર મિતેષ ઉર્ફે બંટાના હાથમાં પિસ્તોલ સાથેનો ફોટો વીડિયો સામે આવ્યો છે.
માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલ દ્વારા જાહેરમાં ખંજર વડે દારુની બોટલની થીમ વાળી કેક કાપતો હોવાનો વીડિયો જોવા મળ્યો છે. ડી.જી.પી દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે ત્યારે સાવલી પોલીસને જાહેરમાં ખુલ્લો પડકાર ફેકતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અપલોડ થયેલ વીડિયોમાં નજરે પડતા બુટલેગર બંધુઓ પર અસંખ્ય પ્રોહિબિશન તેમજ અન્ય ગુન્હાઓ નોંધાયેલા છે.
ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા તેમજ અનેક વાર પાસા હેઠળ જેલ ભોગવી ચુકેલા પરંતુ પૈસા અને પોલીસ સાથેના અંગત સંબંધના કારણે જેલ તેનું એક બીજું જ ઘર બની ગયું હોવાની લોક મુખે ચર્ચા છે. સાવલી પોલીસ આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તે હવે જોવુ રહ્યું, જો કે, વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી.
નોંધ: આ વાયરલ વીડિયો અંગે Gstv કોઈ પુષ્ટિ નથી કરતું.