
Baroda: વડોદરા જિલ્લામાં ગરમીના કારણે પ્રથમ મોત પોલીસના ચોપડે નોંધાયું છે. હજી તો માર્ચ મહિનો ચાલે છે અને પ્રચંડ ગરમીનો પ્રકોપ લોકો અનુભવી રહ્યા છે. જિલ્લાના સાવલી ખાતે સિહોરા ભાગોળ પાસે ભીમનાથ મંદિરના ગેટની સામે આશરે 30 વર્ષના એક અજાણ્યા યુવાનનું ગરમી અને લૂ લાગવાથી મોત નિપજ્યું હતું. આ અંગે સિહોરા ભાગોળે રહેતા શઇદ અનવર શેખે સાવલી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી તેમજ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
મૃતકની ઓળખ બાકી
ગરમીને કારણે મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઈ શકી નથી. પરંતુ યુવક મનો દિવ્યાંગ હોવાની ગામમાં ચર્ચા છે. મૃતક રસ્તાની બાજુમાં સૂતેલી હાલતમાં મળ્યો હતો. જેનું ગરમી અને લૂ લાગવાથી મોત થયુ હોવાનું નોંધાયું છે. પોલીસે યુવક કોણ છે તેની ઓળખ માટેની કવાયત શરૂ કરી છે. મૃતદેહને પીએમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.