
સુરત શહેર સહિત રાજ્યના મોટા શહેરો અને ગ્રામ્યમાં માર્ચ મહિનામાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંક પેપર મિલમાં આગ તો ક્યાંક ફેકટરીમા આગ જેના લીધે લાખોનું નુકસાન થતું હોય છે. જેમાં ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ આગ કાબૂ કરવાની નોબત આવે છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી મારુતિ ઈન્ડસ્ટ્રીયલમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે જઈ આગ કાબૂ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
સુરતમાં સતત આગના વધતા બનાવ
સુરતમાં આવેલા પાંડેસરા વિસ્તારની જાણીતી મારુતિ ઈન્ડસ્ટ્રીયલ ગાદલાના ગોડાઉનના પહેલા માળે આગ લાગી હતી. જેથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગાદલાનું ગોડાઉન હોવાથી આગ જોતજોતામાં ભીષણ બની જવા પામી હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવી પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આ વિકરાળ આગને કાબૂમાં લીધી હતી. આગના બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું.