
રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી હોતું નથી. અલગ-અલગ વિચારધારાના રાજકીય લોકો તેમની વિચારધારા છોડી અન્ય વિચારધારા સાથે જોડાતા હોવાના દાખલાઓ અનેક છે. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં બે અલગ-અલગ વિચારધારાના જ મુખ્ય હરીફ પક્ષ વચ્ચે અંદરખાને ગઠબંધન થઈ ગયાનું અને બંને એક થઈ ત્રીજા પક્ષને હરાવવા અંદરખાને ચોગઠા ગોઠવતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એક પક્ષનો કાર્યક્રમ હોય અને તેનો તમામ ખર્ચ મુખ્ય હરીફ પક્ષ આપે છે. આ નીતિ વિસાવદરના મતદારોમાં પણ હવે ખુલ્લી પડી ગઈ છે.
વિસાવદર પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ હાઈપ્રોફાઈલ બની ગઈ છે. વિસાવદર વિધાનસભાની છેલ્લી ચાર ચૂંટણીના આંકડા પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, શાસક પક્ષ કરતા વિપક્ષના વધુ મત છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો તથા રાજકીય પક્ષો ગમે તેવા કાવાદાવા કરે છે તે જગજાહેર છે. આ વખતની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ છે. ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં નવાં સમીકરણ ચર્ચાનો મુદ્દો બની ગયા છે.
અંદરખાને મદદ કવા મથી રહ્યાનું કહેવાય છે
બે મુખ્ય પક્ષો અંદરખાને એક થઈ ગયા હોવાની ચર્ચા ખુલ્લેઆમ થઈ રહી છે. આ બંને પક્ષોની વિચારધારામાં હાથી ઘોડાનો તફાવત હોવા છતાં તે તમામને નેવે મુકી એક પક્ષનો કાર્યક્રમ હોય તો તેનો ખર્ચ અન્ય પક્ષ ભોગવે છે. આવી રણનીતિ ઉપર લેવલેથી નક્કી થઈ હોવાનું સ્થાનિક રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. આ રણનીતિને સફળ બનાવવા માટે બહારના નેતાઓ મથામણ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક આગેવાનો આ વાતને સ્વીકારવા તૈયાર થતા નથી. ઉપરથી થયેલા સેટિંગનો ખુલ્લેઆમ ભંગ કરી અનેક આગેવાનો સેટિંગની નીતિને બદલે જે પક્ષ સાથે સેટિંગ નથી તેને અંદરખાને મદદ કરવા મથી રહ્યા હોવાનું પણ કહેવાય છે. રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોની સાથે સેટિંગ કરી હરીફ પક્ષના ઉમેદવારના મત તોડવા માટે તડજોડ કરતા હોય તે જગજાહેર છે પણ મુખ્ય પક્ષો જ અંદરખાને ગઠબંધન કરી લે તેવું ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે મુજબ રાજકીય નિષ્ણાંતો પણ આ મુદ્દો જોઈ થઈ અચંબિત થઈ ગયા છે.