
Junagadh news: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસા આગમન અગાઉ જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ, માંગરોળ પંથકમાં માછીમારોને દરિયામાં માછીમારી કરવા ન જવાની સૂચના આપી છે. ઉપરાંત તમામ બોટને પરત દરિયા કિનારે પરત બોલાવી લેવા આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં વાવાઝોડાની અસર રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ, માંગરોળ પંથકમાં દરીયા કિનારે તંત્ર દ્વારા સુરક્ષાનાં ભાગરૂપે માંગરોળ બંદરની બે હજાર જેટલી ફિશિંગ બોટોને દરીયામાંથી પરત બોલાવવામાં આવી છે અને જેમાં હજુ માંગરોળ બંદરની બે બોટો દરિયામા દૂર માછીમારી માટે ગયેલી છે, જેને વાયરલેસ મેસેજથી તેમજ તેના માલિકને પાણ કરી પરત બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને આજે સાંજ સુધીમાં તે બંને બોટો પરત આવશે તેવી શક્યતા છે. જ્યારે હાલતો દરિયામા સામાન્ય કરંટ છે અને હવાનું સામાન્ય દબાણ છે પરંતુ તંત્ર દ્વારા તમામ બોટોને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢી લેવાઇ છે. જ્યારે હાલ દરિયા કિનારાના ગામડાઓમાં સાવચેતીના ભાગરૂપે સાઇકલોન સેન્ટરોમા લાઇટ, પાણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.