
Visavadar by Election 2025: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત રોજ ગુજરાતની બે બેઠકો કડી અને વિસાવદરની પેટાચૂંટણીની તારીખો અને કાર્યક્રમની જાહેરાત કરી હતી. આગામી મહિને 19 જૂને મતદાન અને 23 જૂને મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેથી જૂનાગઢ જિલ્લામાં આવેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હેઠળ કલેકટરે વિગતો આપી હતી.
મળતી વિગતો અનુસાર, જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ 2 લાખ 61 હજાર 92 મતદાતા છે. જેમાં પુરુષ મતદાર કુલ 1 લાખ 35 હજાર 609 છે જ્યારે સ્ત્રી મતદાર 1 લાખ 25 હજાર 479 છે. જૂનાગઢમાં કુલ 294 મતદાન મથકો આવેલા છે. પેટાચૂંટણી દરમિયાન 1884નો સ્ટાફ ફરજ પર રહેશે. આ ચૂંટણીમાં VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે જેની સંખ્યા 575 રહેશે. ઉમેદવારી પત્રક ભરવાની તારીખ 2 જૂન રહેશે. ફોર્મ ચકાસણી 3 જૂનના રોજ કરવામાં આવશે. 19 જૂનના રોજ મતદાન થશે. 23 જૂનના રોજ પરિણામ આવશે. કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા વિસાવદરના મતદાતાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.