
Kapadvanj news: ખેડા જિલ્લામાં આવેલા અકસ્માતોના હબ બનેલા એવા નડિયાદ-કપડવંજ રોડ પર આજે સવારે પૂરપાટ વેગે ધસી આવતી કારે બેદરકારીથી ચલાવીને સામેથી આવતા બાઈકચાલકને ટક્કર મારી હતી. જેથી બાઈકચાલક રોડ પર ફંગોળાઈને રીતસરનો ઢસેડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકો એકઠા થઈ ગયા હતા. જો કે, ત્યારબાદ કારચાલક ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો. કારચાલકે રોંડ સાઈડથી રોડ પર આવીને અકસ્માત સર્જયો હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આજે માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવકનું કારની અડફેટે મોત થયું હતું. નડિયાદ-કપડવંજ રોડ પર આવેલા હીરાપુરા પાટિયા પાસે આજે સવારે રોંડ સાઈડથી રોડ પર આવી બેદરકારીથી ચલાવી બાઈકચાલક યુવકને કાર અથડાવી હતી. જેથી કારની ટક્કરે બાઈકચાલક રોડ પર પાંચ ફુટ સુધી ઢસેડાયો હતો. જે બાદ બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. બાઈકચાલક કયાનો છે કયા જતો હતો તેનું રહસ્ય અકબંધ છે. રોડ પર અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના મૃતદેહને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો.