
રાજ્યમાં માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનું સત્તાવાર રીતે આગમન નોંધાઈ ચુક્યું છે. ડીસા, અમરેલી, કચ્છ, સુરેન્દ્ગનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતો હોય છે ત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર આગના બનાવ વધતા જઈ રહ્યા છે. ક્યાંક પેપરમિલમાં તો ક્યાંક ફેકટરીમાં તો ખેતરમાં ઊભા પાકમાં આગથી સેંકડો વીધામાં ઊભો પાક રાખ થઈ જતો હોય છે.
ભૂજ તાલુકામાં આવેલા સુમરાસર ગામે બપોરના સુમારે ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની જવાળઓ વધી જતા આખરે મોઘું ઘાસ સહિત આખી ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી. ધોમધખતી ગરમીમાં પશુ માટેનું ઘાસ બળીને ખાખ થતા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ટ્રકમાં આગ લાગી ત્યારે સ્થાનિકોએ હાથ વગા સાધનો વડે આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કર્યા હતા. જેના લીધે ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકમાં આગના પગલે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી ઉડ્યા હતા. જો કે બનાવની જાણ થતા ભૂજ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઘાસ અને ટ્રક બળીને રાખ થઈ ગયા હતા. બનાવને પગલે આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.