
છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં યુવાનો કેનાલ કે તળાવમાં ડૂબવાની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. હજુ ગઈકાલે જ ધુળેટીના દિવસે ભરુચમાં ચાર અલગ અલગ સ્થાનો પર કુલ પાંચ યુવાનોના ડૂબવાની ઘટના સામે આવી હતી જેમાં માત્ર એક જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે થોડા સમય પહેલા અમદાવાદ અને વડોદરા શહેરમાંથી પણ યુવાનો કેનાલમાં ડૂબવાની ઘટના સામે આવી હતી એવામાં રાજકોટમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે જેમાં એક તળાવમાં ત્રણ યુવકો નહાવા માટે ઉતર્યા હતા અને તેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એવામાં કરછમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લામાં ધમડકા પાસે એક સાથે ચાર માસુમ બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ભુજના અંજારમાં ભવાની પર પાસે હિંગોરજા વાંઢ નજીક તળાવમાં નહાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા હતા. મામલાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમા દ્વારા 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે ચાર બાળકો તળાવમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.