Operation Sindoor બાદથી પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. 7 મેથી લઇને અત્યાર સુધી પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન હુમલા કર્યા છે પરંતુ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. કચ્છમાં ફરી એક વખત પાકિસ્તાનના ડ્રોન જોવા મળ્યા હતા.
કચ્છના અબડાસામાં જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન
કચ્છના અબડાસામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાન દ્વારા સતત ભારત પર ડ્રોન દ્વારા હુમલાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કચ્છમાં ફરી એક વખત સરહદી વિસ્તારમાં પાકની નાપાક હરકત જોવા મળી હતી. આ પહેલા પણ શુક્રવારે કચ્છમાં ત્રણ પાકિસ્તાની શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા જેને સુરક્ષાદળોએ તોડી પાડ્યા હતા.
કચ્છમાં હાઇએલર્ટ
પાકિસ્તાન સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે. કચ્છમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા મેડિકલ સ્ટાફ સાથે અને સાધન સામગ્રીથી સજ્જ 108 વાનને પણ કચ્છમાં મોકલી છે. આ સાથે અમદાવાદથી ઇમરજન્સી 108ની 41 જેટલી ગાડીઓને કચ્છમાં રવાના કરી દેવાઈ છે.