
Mahisagar news: મહીસાગર જિલ્લામાં લુણાવાડાના હડમતિયામાં 'નલ સે જલ' તંત્રએ ખોટા બિલ અને દસ્તાવેજો બનાવી માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવી કરોડો રૂપિયા ચાઉં કરી લીધા હતા.123.22 કરોડના કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં જે પણ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહીં આવે. જેવી ફરિયાદ મળી, સરકારને લાગ્યું કે તપાસ જરૂરી છે. આદેશ આબાદ તપાસમાં સત્યતા જણાઈ ત્યારે ગુનો નોંધી તરત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ચમરબંધીને સરકાર નહિ છોડે.
મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા હડમતિયા સહિતના વિસ્તારોમાં ખોટા બિલ બાદ નલ સે જલ કૌભાંડ સામે આવ્યા બાદ આ મુદ્દે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં રહેલા તમામ આરોપીઓને છોડવામાં નહિ આવે. સરકારને ધ્યાને આવતા તેની તપાસ કરી ગુનો નોંધાયો અને તપાસ વધુ સઘન કરવામાં આવી છે.
આ સમગ્ર કૌભાંડમાં કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. કેટલાયની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. 112 એજન્સીઓને ડિબાર્ટ કરી છે. ઝીરો ટોલરન્સ પકડીને સરકાર ચાલી રહી છે. સરકાર દ્વારા કોઈને છાવરવાનો કે બચાવવા વાળો વિષય નથી રહ્યો. જેથી કોઈપણ સેહ શરમ સિવાય કાર્યવાહી કરાશે. એજન્સીઓને, નાણાકીય સ્ત્રોતોના વારસો મળશે તેની પાસેથી રિકવરી કરી પગલાં લેવાશે, જ્યાં જે પ્રકારના પગલાં લેવાની જરૂર પડશે તે લેવાશે.
શું હતો સમગ્ર મામલો
મહીસાગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત 620 ગામોમાં પીવાના પાણીની પાઇપ લાઇન, કૂવા, ટયૂબવેલ વગેરેની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના વોટર સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો)ના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ એજન્ટ અને ખાનગી કંપનીને લાભ થાય તે માટે ખોટા બિલ અને હિસાબોના આધારે સરકારને અંદાજીત 123.22 કરોડનું નુકસાન કર્યુ હતું. જે અંગે વાસ્મોેના યુનિટ મેનેજર ગિરીશભાઇ અમરિષભાઇ અગોલાએ સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં કુલ 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લાના 714 ગામ પેકી 620 ગામોમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સૌથી વધુ ગેરરીતિ અને કૌભાંડ લુણાવાડા તાલુકામાં થયું છે. લુણાવાડા તાલુકાના હડમતિયા ગામમાં તો કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પાઇપ લાઇન નાંખવામાં આવી જ નહતી. તેમછતાંય તેનું પેેમેન્ટ થઇ ગયું હતું. આ ઉપરાંત ઘર દીઠ કનેક્શનો પણ ઓછા દર્શાવવામાં આવ્યા છે. સી.આઇ.ડી. ક્રાઇમમાં ગુનો દાખલ થતા આરોપીઓ બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે.