
Virpur Taluka Panchayat by-election 2025 : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. આ અંતર્ગત વીરપુર તાલુકા પંચાયતમાં 5-જોધપુર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપે ભાવનાબેન મહેન્દ્રકુમાર પરમારને, જયારે કોંગ્રેસે સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરને ટિકિટ આપી છે. હવે મળતી માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેનનું ફોર્મ નામંજુર થયું છે.
મતદાર યાદીમાં નામ ન હોવાથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજુર
આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-23 મુજબ તાલુકા પંચાયત મતદાન મંડળની 2021ની મતદાર યાદીમાં કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું નામ ન હોવાથી તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છે. બીજી બાજું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમારનું ફોર્મ મંજૂર થતા તેઓ બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને વીરપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોમાં ખુશીનો માહોલ છવાયો છે.