
મહેસાણામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે જેમાં ચાલુ બસે ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. સાણંદથી કડી આવતી બસના ડ્રાયવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જો કે બસ ચાલકે સમય સૂચકતા વાપરીને બસને સાઈડમાં કરી તમામ પેસેન્જરોનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, 58 વર્ષીય બાબુજી વિસાજી ઠાકરડા સાણંદ-પાટણની બસની ટ્રિપમાં નાઇટ શિફ્ટ કરતા હતા. રુટ પ્રમાણે તેઓ બસ લઈને સાણંદથી થોળ થઈ કડી આવતા હતા. રસ્તામાં મેડા આદરજ નજીક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો થતા બસ ડીવાઈડર સાથે ટકરાવી ઊભી રાખી દીધી હતી. મોત પહેલા ડ્રાઈવરે બસમાં સવાર 15 પેસેન્જરોનો પણ બચાવ કરી લીધો. તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા પરંતુ તેમનું મોત થયું હતું. 31 મેના રોજ બાબુજી ઠાકરડા નિવૃત્ત થવાના હતા. નિવૃત્તિના 10 દિવસ પહેલા જ અવસાન થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.