
નર્મદા જિલ્લામાં નર્મદાની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પવિત્ર યાત્રામાં 10 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવવાની શક્યતાઓ છે. જેથી રેંગણ નર્મદા કિનારા ઉપરથી રામપુરા ઘાટ ઉપર જવા માટે નર્મદા નદી ઓળંગવા માટે 50થી વધુ બોટ મૂકવામાં આવી છે. પરિક્રમાવાસીઓ રાત્રિના સમયે પરિક્રમા કરે તે માટે રસ્તા ઉપર લાઈટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત રહેશે.
એક માસ ચાલશે પરિક્રમા
નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. જે એક માસ સુધી પરીક્રમા ચાલશે. પરિક્રમા રામપુરા નર્મદા ધાકથી શરૂ થઈને તિલકવાડાથી ફરી રામપુરા પુર્ણ થશે. જેનું અંતર 21 કિલોમીટરનું છે. પરિક્રમા કરવા માટે ભક્તોનું પહેલા દિવસથી જ મોટી સંખ્યામાં આગમન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર સહિત અન્ય રાજ્યોના લોકો પરિક્રમા માટે આવી રહ્યા છે.
ટેન્ટ ઉભા કરાયા
તંત્ર દ્વારા 21 કિલોમીટર વિસ્તારમાં ઠેર ઠેર તંબુ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલ તો તંત્ર દ્વારા 24 કલાક બોટ ચલાવવા માટે સ્થાનિક લોકોને ઇજારો આપ્યો છે. નર્મદા નદીના કિનારે મગરોનો ભય હોવાથી રામપુરા ગામ પાસે નર્મદાના કીનારે પરીક્રમા પૂર્ણ કર્યા બાદ સ્નાન કરવા માટેના ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે.