
આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરનાર મહિલાનો મૃતદેહ ત્રણ દિવસ બાદ મળી આવ્યો છે. જેથી આપઘાત કરનારી મહિલાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બસની ટિકિટ મળી
મૃતક મહિલાની ઓળખ સુરતના અડાજણ વિસ્તારના રહેવાસી પ્રીતિબેન જયંતકુમાર પારેખ તરીકે થઈ છે. 5 માર્ચ બુધવારના રોજ પ્રીતિબેને નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાસ્થળેથી તેમનું પાકિટ અને માંડવી સુરતથી ભરૂચ GNFC બસ સ્ટેન્ડ સુધીની બસની ટિકિટ મળી આવી હતી.
મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો
સ્થાનિક નાવિકો, અંકલેશ્વર ફાયર વિભાગ અને ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગની મદદથી શોધખોળ શરૂ કરી હતી. આજે શોધખોળ દરમિયાન કસક ગુરુદ્વારા અને મકતમપુરની વચ્ચે નદી કિનારે મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતકના પતિએ મૃતદેહની ઓળખ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આત્મહત્યાના કારણોની તપાસ શરૂ કરી છે.