
ઘોર કળિયુગ ધીમે ધીમે દેખા દઈ રહ્યો છે. ત્યારે સુરતના અમરોલીમાં પુત્રની કાળી કરતૂતનો ભોગ પિતા બન્યા હોવાનું સામે આવ્યું છે. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને હેરાન કરી ધમકી આપતાં હતાં. જેથી ટેન્શનમાં આવીને પિતાએ સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવી દીધું હતું.
પુત્રની કરતૂતની પિતાને હેરાનગતિ
મળતી વિગત મુજબ અમરોલીમાં પ્રમુખ હાઈટમાં રહેતા 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીકમાં ખલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતાં. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમના સંબંધીઓએ કહ્યું કે, પ્રાગજીભાઈ મૂળ ભાવનગરના લીમડાના વતની હતાં. તેમને સંતાનમાં મોટો પુત્ર આશિષ રત્નકલાકારનું કામ કરે છે. નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ મિક્સ મશીન ચલાવતો હતો. રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે. જો કે, તે ક્યાંક ચાલ્યો ગયો છે. જો કે લેણદારો અને તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતાં હતાં. જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હતું.
સુસાઈડ નોટ લખી
નિવૃત જીવન જીવતા પ્રાગજીભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રવિ વયો ગયો, ઘરે કોઈ જાતની ખબર નથી, શું કર્યુ શું નહીં, આશિષને કોઈ હેરાન કરતાં નહી, મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પુરું પાડશે, એને કોઈ જાતની ખબર નથી. એમાં માથું પણ મારતો નથી, અને ખાતુ કરેલું ત્યારે તેને પૂછતો, ત્યારે તે કહેતો કે બધુ બરાબર છે. જરૂર પડે ત્યારે પૈસા આપતો, હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને. ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે. ધમકી આપે છે. આ સાથે હું મરી જાઉં ત્યારે મારી ચારેય છોકરી મારી હાટડીને હાથ દે અને તેને સાચવજો.