નર્મદાના વડા મથક રાજપીપલા નજીક ની એક ખાનગી શાળા દ્વારા બાળક ને મેડિકલ સપોર્ટ ની જરૂર હોવા છતાં બેદરકારી દાખવતા વિદ્યાર્થી ના વાલી દ્વારા આ મુદ્દે નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી સ્કૂલ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે. બીજી તરફ શાળાને પાકા રસ્તા વગર જ મંજૂરી આપી દીધી હોવાથી સવાલો ઉભા થયા છે. ડીઈઓ શાળાની વિઝિટ કરીને પગલાં લે તેવી માગ કરવામાં આવી રહી છે.
શાળાનું જડ વલણ
11 જુલાઈ 2025 ના રોજ બનેલી આ ઘટનામાં રાજપીપળા નજીક આવેલી પોદાર ઈંગ્લીશ મીડીયમ શાળા મા ભણતા 9 વર્ષીય વિદ્યાર્થીએ છાતી મા દુખાવાની ફરિયાદ શાળા મા ફરજ બજાવતા શિક્ષકો ને કરતા શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક મેડિકલ સારવાર મળે એવું કરવાને બદલે વિદ્યાર્થીના વાલી ને ફોન કરી બાળક ને શાળા માંથી પોતે આવી ને લઈ જવાનું કહી જક્કી વલણ અપનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
છાતીમાં દુઃખાવો ઉપડ્યો
પોતાના બાળકને છાતી મા દુઃખાવો થતું હોવાનું સાંભળીને વિદ્યાર્થીના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા, અને પોતે સ્કૂલ લેવા આવે અને બાળક ને લઈ ને હોસ્પિટલ પરત ફરે ત્યાં સુધી રખે ને કઈંક મોડું થઈ જાય એવી આશંકા થી ચિંતિત બાળક ના પિતા કે તેમણે શાળા સંચાલકો ને પરિસ્થિતિ પારખી શાળા તરફ થી કોઈ વાહન મા બાળક ને પોતાની પાસે મોકલી આપે તેવી વિનંતી કરવા છતાં શાળા સંચાલકો દ્વારા તેમની પાસે હાલ કોઈ વાહન ઉપલબ્ધ ના હોવાનું રટણ કરી વિદ્યાર્થી ના પિતા ને જ શાળાએ આવી પોતાના બાળક ને લઈ જવાનો હઠાગ્રહ કર્યો હતો.
શાળાના સંચાલકોએ કોઈ વ્યવસ્થા ન કરી
બનાવ ના દિવસે અરજીકર્તા નો 9 વર્ષીય પુત્ર રાબેતા મુજબ સવારે 7:30 કલાકે શાળાની સ્કૂલ વાનમાં સ્કૂલે પહોંચ્યો હતો, શાળા નો સમય સવાર ના 8 થી બપોરના 2 વાગ્યા સુધી નો હતો. શાળાએ પહોંચ્યા ના થોડીક વારમાં શાળા તરફથી વિદ્યાર્થી ની માતાને ફોન કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે તમારા બાળકને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, અને તે કહી રહ્યો છે તમે તેને તાત્કાલિક લેવા આવો, ત્યારે બાળકની માતાએ આ બાબતની જાણ તેમના પતિને કરી હતી ત્યારે પરિસ્થિતિ ની ગંભીરતાને જોતા બાળકના પિતાએ સ્કૂલના શાળા સંચાલકોને કોઈ વાહનમાં બાળકને પોતાના ઘરે મોકલી આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ કથિત રીતે શાળા સંચાલકો તરફથી આવું કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીના વાલીને પોતે જ આવીને બાળકને લઈ જવા માટે જણાવી દીધું હતું.
જીવનું જોખમ ઉભું થયું હોત
આ સમગ્ર ઘટના માં 30 મિનિટ જેટલો સમય વેડફાઈ ગયો હતો સવાર નો સમય હોઈ બાળક ના પિતા પોતાની ફરજ પર જવાને બદલે પોતાની ખાનગી કાર લઈ રાજપીપલા થી ભદામ ગામે આવેલી પોદ્દાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને પોતાના બાળક ને લઈ તેઓ સીધા જ રાજપીપલા ની એક બાળકો ની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં બાળકને સારવાર અપાઈ હતી. જ્યાં ડોકટરના જણાવ્યા મુજબ બાળકને છાતી મા વધારે પ્રમાણમાં કફ હોવાના કારણે આમ થયું હતું પણ જો આ પરિસ્થિતિ વધારે લંબાઈ હોત તો કાર્ડિયાક ઍરેસ્ટ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હોત. આમ ડોકટરના ઓપિનિયન બાદ વિદ્યાર્થીના વાલી ની ચિંતા માં ઔર વધારો થયો હતો.
લેખિતમાં રજૂઆત
આમ 9 વર્ષીય વિદ્યાર્થી ની સ્કૂલ માં અભ્યાસ દરમિયાન તબિયત લથડી હોઈ સ્કૂલ સંચાલકો એ ફરજ પરના સ્ટાફ દ્વારા આ મામલે વિદ્યાર્થીને જરૂરી મેડિકલ સારવાર સમયસર મળી રહે તે રીતના પ્રયાસો કરવાને બદલે પોતાના માથેથી આ જવાબદારી વાલીના માથે નાખી દઈ, સ્કૂલ કેમ્પસ માં 3 જેટલા વાહનો ઉપલબ્ધ હોવા છતાં "અમારી પાસે વાહન નથી" નું કારણ આગળ ધરી દીધું હતું આવા તમામ કારણોને પરિણામે વિદ્યાર્થીના વાલીએ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ગુજરાત રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર સહિતના ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી શાળા સંચાલકો અને શાળા મેનેજમેન્ટ સામે આ મામલે તાત્કાલિક પગલાં લઈ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. શાળા ના આચાર્ય એ લૂલો બચાવ કરતા વાલીને ફોન થી બાળક ને લઈ જવા માટે જાણ કરી હતી અમારી પાસે વાહનો ના હતા જેના કારણે અમે બાળક ને ઘરે મોકલી શક્યા ના હતા