
Navsari News: નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા અને સ્ટેજ ઉપરથી ભાષણ આપતી વખતે સાંસદે સરપંચોને સલાહ આપી હતી.
સી આર પાટીલે સ્ટેજ પરથી સરપંચોને કહ્યું કે, તમે ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરો. જાતે જ કોન્ટ્રાક્ટર ન બની જાઓ તમને ગ્રામજનોએ કામ કરવા માટે ચૂંટ્યા છે. નવસારી જિલ્લાના વાંસદા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વી સતીશ મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પણ હાજરી આપી હતી.
આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ પોતાના વક્તવ્યમાં વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને ચેતવણી આપી હતી. વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા જેવા ધારાસભ્યો આદિવાસીઓના ગેરમાર્ગે દોરતા હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. ગુજરાતમાં આદિવાસીઓ માટે મહત્વની યોજનાઓ બનાવી ગુજરાત દેશમાં અવ્વલ નંબરે હોવાનો દાવો કર્યો હતો.