
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 92 વર્ષની વયે નવસારીમાં નિધન થયું છે. તેઓ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબેનના સંતાન હતા. નીલમબેન છેલ્લા 37 વર્ષથી નવસારીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરીખ સાથે રહેતા હતા. સોમવારે વયોવૃદ્ધ થવાના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા.
ગાંધીના ખોળામાં રમ્યા હતા
મંગળવારે સવારે નવસારીના વીરાવળ સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી. આ પ્રસંગે શહેરના અનેક બુદ્ધિજીવીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.નીલમબેનનું બાળપણ અને શિક્ષણ મુંબઈમાં થયું હતું. તેમણે અનેક વર્ષો વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયમાં આચાર્યા તરીકે સેવા આપી હતી. 1988થી તેઓ નવસારીમાં સ્થાયી થયા હતા. નાનપણમાં મુંબઈમાં રહેતા ત્યારે તેઓ મહાત્મા ગાંધીજીને મળ્યા હતા અને તેમના ખોળામાં રમ્યા હોવાનું જાણવા મળે છે.
ત્રણ પુસ્તકો લખ્યા હતા
નીલમબેને ત્રણ પુસ્તકો લખ્યા હતા. તેમનું 'ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી' પુસ્તક ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ પુસ્તક તેમના દાદા હરિલાલ વિશે ફેલાયેલી ખોટી માહિતીનો જવાબ હતું. તેમણે 'ગાંધીજીના સહસાધકો' અને 'જ્યાં રહો ત્યાં મહેકતા રહો' નામના પુસ્તકો પણ લખ્યા હતા.