
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા. જો કે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાઈરસના કોઇ લક્ષણ દેખાયા ન હતા, પરંતુ તાવ સાથે ખેંચના કારણે મૃત્યુ નીપજ્યા છે. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક તાવ સાથે ખેંચની બીમારીની સારવાર હેઠળ છે.
આ બાળકનું સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલાયું છે. સ્થિતિની ગંભીરતા જોતા, પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે.
તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.