
પાટણ શહેર સહિત જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આટલું ઓછું હોય તેમાં જાનહાનિ પણ સડસડાટ વધી રહી છે. જેથી તંત્ર અને પોલીસ માટે અકસ્માત માથાનો દુખાવો બની ચુક્યો છે.
સિદ્ધપુર શહેર નજીક આવેલી સરસ્વતી નદી પાસે આવેલા ખળી ચાર રસ્તા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું કમકમાટીભર્યું મોત થતા આસપાસથી દોડી આવેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પૂરપાટ જતા ટ્રેલરની અડફેટે બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું.
આ મૃતક યુવાન સિદ્ધપુર તાલુકાના બીલિયા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક અવી પટેલ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે પોલીસે ટ્રેલરના ડ્રાયવરને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.