
Patan News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં પાટણમાંથી ગંભીર અકસ્માતના સામાચાર આવી રહ્યા છે. રાધનપુર-મહેસાણા હાઈવે પર રિક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતહેદને પોસ્ટમોટર્મ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર
મળતી માહિતી અનુસાર, રાધનપુર-મહેસાણા હાઈવે પર રાધનપુરથી વરણા જઈ રહેલી રિક્ષાની ટક્કર આઈસર ટેમ્પો સાથે થઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 30 વર્ષીય વિરામભાઈ, 12 વર્ષીય આશિષ અને 55 વર્ષીય ગાલાબેનનો સમાવેશ થાય છે.
અકસ્માત બાદ આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. જોકે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.