
સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરોનો સતત કહેર જોવા મળી રહ્યો છે. દરરોજ ક્યાંકને કયાંકથી સિંહ, દીપડા જેવા જંગલી જાનવરો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો રહે છે. એવામાં પોરબંદરમાંથી ફરી દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. પોરબંદર જિલ્લા કલેકટરના નિવાસ સ્થાન સામે રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી ગયો છે. લાલ પેલેસ રોડ પર કલેકટર બંગલા સામે વ્યાપારીના ઘરમાં દીપડો ઘુસી જતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દીપડો ઘરમાં ઘુસી જવાના સમાચારથી આસપાસના લોકો દીપડો જોવા ટોળે વળ્યાં હતા. ઘટનાની જાણ વનવિભાગ અને પોલીસને થતા દીપડાની શોધખોળમાં વન વિભાગ કામે લાગ્યું છે. રાતના અંધારામાં દીપડો બગીચામાં છુપાઈ ગયો હોવાથી વનવિભાગ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ દીપડો બિરલા ફેકટરી નજીક એક રહેણાંક મકાનમાં ઘુસી ગયો હોવાના સીસીટીવી સામે આવ્યા હતા.