
ગુજરાતભરમાંથી જાણે આત્મહત્યા કરવાની હારમાળ સર્જાઈ રહી છે. હજુ થોડા કલાકો પહેલા જ અમદાવાદમાં એક યુગલે અને પંચમહાલમાં એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, એવામાં રાજકોટમાંથી પણ કંઈક આ પ્રકારના જ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં જસદણમાં હીરામાં મંદીના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. હીરામાં કામ ન મળતા હોવાને લઈ 34 વર્ષે યુવકે જસદણના આલમ સાગર ડેમમાં પડી આપઘાત કર્યો છે.
સ્થાનિકને જાણ થતાં તપાસ કરતાં માલુમ પડ્યું કે, જસદણ ચિતલીયા કુવા રોડ પર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા કલ્પેશ લાલજી જીજુવાડિયા નામના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો છે. ડેમ નજીકથી બાઈક, પાકીટ, મોબાઈલ સહિતની વસ્તુવો પણ મળી આવી છે. છેલ્લા 15 વર્ષથી યુવક હીરામાં કામ કરતો હતો. યુવકના ઘરે એક દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતદેહને જસદણની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.