
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે જેમાં ક્રાઈમ બ્રાન્ચે ભારે આતંક મચાવનાર સોપારી કિલરને ઝડપ્યા છે. દેશભરમાં અનેક સ્થાનો પર ગુનાહિત કૃત્યો આચરનાર આ શખ્સો છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અને આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બનાસકાંઠાના ચકચારી મચાનવાર કેસ મફાભાઈ પટેલ મર્ડર કેસમાં આ આરોપીઓ વોન્ટેડ હતા. તેમજ લીમડી મર્ડર કેસમાં પણ આ આરોપીઓ ફરાર હતા.
આરોપીઓએ ભરૂચમાં બે અને મહારાષ્ટ્રમાં એક 26 લાખના ATMની પણ ચોરી કરી હતી. આખરે ફરાર આરોપીઓનો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને હથિયાર સાથે ઝડપી પાડયા છે. જેમાં ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને આનંદસિંગ રાજપૂત નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આજે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ મામલે મહત્વના ખુલાસા કરી શકે છે. આરોપીઓ મર્ડરની સોપારી લઈને હત્યા કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓ મર્ડરની સોપારી માટે રૂ. 10 લાખ ફી વસૂલતા હતા. આરોપીઓ સુરતના અનિલ કાઠી ગેંગના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, પોલીસની પુછપરછ બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે.