
રાજકોટમાં વિંછીયામાં કોળી સમાજ અને ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. બપોરે 2:00 કલાકે આ મહાસંમેલનની શરુઆત કરવામાં આવી હતી. સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજ અને ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિતના કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા. જો કે, બંને સમાજના લોકોની ભારે માત્રામાં ઉપસ્થિતિને પગલે DYSP, PI, PSI તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો અને પથ્થર મારાના કેસો પરત ખેંચવા સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા થશે.
કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા
તો બીજી તરફ કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા સેવાઈ રહી છે. સંમેલનને કારણે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહા સંમેલન
પ્રાથમિક માહિતી અનુસાર કોળી યુવાનની હત્યા બાદ સમાજના લોકો દ્વારા પરિવારને ન્યાય અપાવવા માટે અને કોળી અને ઠાકોર સમાજના સંખ્યાબંધ પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે મહા સંમેલન યોજાઈ રહ્યા હોવાનું સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે.