Rajkot News: રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે દુઃખદ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષોના જીવ ભડથું થઈ ગયા હતા. ત્યારે એક વર્ષ બાદ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓની શું હાલત છે તે જાણવા GSTV એ પ્રયત્ન કર્યો છે.
25 મે 2024 નો દિવસ રાજકોટના ઇતિહાસમાં કાળા દિવસે ઓળખશે
કારણ કે, આજ દિવસે TRP ગેમઝોનમાં આગ લાગી અને આ આગમાં 27 નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટના રાજકોટના ઇતિહાસમાં પહેલી એવી ઘટના હશે કે કોઈ દુર્ઘટનામાં મોતનો આંકડો 27 એ પહોંચ્યો હોય. એટલું જ નહીં આ અગ્નિકાંડ બાદ કેટલાક રાજકારણીઓએ રાજકારણ રમ્યું તો કેટલાકે પીડિત પરિવારો પાસે જઈ ફોટા પડાવ્યા. પરંતુ કોઈએ તેમની વેદનાને વાચા આપી ન્યાય ન આપ્યો.
અમને સરકાર પર નહીં પરંતુ ન્યાયાલય પર ભરોસો છે - પરિવાર
19 વર્ષીય આશા કાથડ જેનું મૃત્યુ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયું હતું તેમના બહેન સંતોષ કાથડ અશ્રુભીની આંખોથી જણાવે છે કે અમારું પરિવાર 25 મે 2024થી રઝળી ગયો છે. સરકાર છેલ્લા 1 વર્ષમાં નથી જાગી તો હવે શું જાગશે. અમને સરકાર પર નહીં પરંતુ ન્યાયાલય પર ભરોસો છે કે તે અમને ન્યાય અપાવે. આ ઘટના બાદથી મારા પિતાએ રાજકોટ શહેર મૂકી દીધું અને તેઓ ગામડે રહેવા જતા રહ્યા. આશા કાથડ પરિવારજનોની આશા હતી અને તેના ઉપર જ અમારું ઘર ચાલતું. તે પિતાજીને અવારનવાર કહેતી કે તમે કોઈપણ પ્રકારનું ટેન્શન ન લેતા હું નોકરી કરું છું. તે અમારી આશા હવે શું સરકાર ફરી લાવી શકશે ?
ભાજપના કોઈ સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યએ એક વર્ષમાં અમને સાંત્વના નથી આપી - પરિવાર
જ્યારથી ઘટના બની ત્યારથી સ્થાનિક અનુસૂચિત જાતિ આગેવાન ડી.ડી.સોલંકી ત્યાર બાદ કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને પાલભાઈ આંબલિયા હજુ સુધી અમારા સંપર્કમાં છે અને અમને જ્યારે દુઃખ પડે ત્યારે ઊભા રહે અને મદદ કરે છે. પરંતુ અત્યાર સુધી ભાજપના કોઈ નેતા તો દૂર કોઈ સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યએ પણ અમારા ઘરે આવી આ એક વર્ષમાં અમને સાંત્વના નથી આપી.
ઘટના બની ત્યારે સરકારે જાણે અમારા સ્વજનોની કિંમત લગાવી હોય તેમ રૂ.4 લાખ આપ્યા - પરિવાર
પબ્લીકને હવે જાગૃત થવાની જરૂર છે જો આ સરકાર રહશે તો TRP ગેમઝોન જેવા કાંડ બનતા રહેશે. આવડી મોટી સરકાર છે છતાં અમને હજુ ન્યાય મળ્યો નથી. માત્ર નાની માછલીઓની ધરપકડ કરી છે જેનાથી અમને સંતોષ નથી. આ કાંડના મુખ્ય કિરદારોની ધરપકડ થાય અને તમામને સજા મળે તેવી આશા મૃતકના બહેને વ્યક્ત કરી હતી.
TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓ જેવા કે સસ્પેન્ડેડ પૂર્વ TPO મનસુખ સાગઠીયા તો બીજા ફાયર અધિકારીઓ સહિત કર્મચારીઓ જેલમાં છે તો કેટલાક પર ACB દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહીં સવાલ એ છે કે પીડિત પરિવારોને એક વર્ષ વિત્યા છતાં હજુ ન્યાય મળ્યો નથી તો શું હવે આવનારા સમયમાં ન્યાય મળશે કે પછી તેમની હાલત પર રાજકારણીઓ પોતાના રોટલા ગરમ કરતા રહેશે.