
રાજકોટમાં એક તરફ જિલ્લા ભાજપ પ્રમુખ વરણીની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી બાજુ જિલ્લા ભાજપમાં જૂથવાદનો ઉકળતો ચરુ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ વ્યાપ્યો છે. હવે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો છે.
રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટરલ વાયરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા હતા. જેથી અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કર્યા હતા. પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCCTV પણ સામે આવ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં હવે એક બાદ એક જૂથવાદ આવી રહ્યાં છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાં બાદ એટલે કે લગભગ 22 ફેબ્રુઆરી, 2025ના આ લેટર વાઈરલ થયો હતો. વાઈરલ થયેલાં લેટરમાં રવિ માકડિયાએ નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ પછી ઉપલેટાના અશોક લાડાણીએ તેમના ભાજપના ગ્રુપમાં લેટર મોકલ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં અરજી નોંધાઈ હતી અને પોલીસે વાઈરલ લેટર મામલે કેટલાક ભાજપના આગેવાનોને નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. જેમાં પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCCTV પણ સામે આવ્યા છે.