Rajkot News: ગુજરાતમાં અનેક સ્થળો પર કમોસમી વરસાદે માઝા મુકી છે. એવામાં રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે. તેમજ ખેતરોમાં ઉનાળુ પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં ખેતરમાં રહેલા ડુંગળીના પાકને નુકસાન પહોંચવાની ભીતી વર્તાઈ રહી છે. ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે. કોલીથડ, હડમતાળા, પાટીયાળી, મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાયા છે. ગોંડલ તાલુકાના રીબડા રીબ દાળિયા વાડધરી મેંગણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદના એક ઝાપટાએ મનપાની પોલ ખોલી નાખી છે. રાજકોટ શહેરના સદર બજાર, ગવલીવાળ સહિતના વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ઘરમાં પાણી ઘૂસતા વીડિયો સામે આવ્યા છે. ગવલીવાળ વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરી તથા માલ સામાનને નુકસાન પહોંચ્યું છે.