
Sabarkantha News: સાબરકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં એક પરિવારે સામુહિક રીતે આપઘાતનો પ્રયત્ન કરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગર પરિવારનો સામૂહિક આપઘાત મામલો સામે આવ્યો છે. પરિવારમાં પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવીને આતમહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન પતિ પત્નીનું મૃત્યુ થયું
સમગ્ર પરિવાર વડાલી બાદ ઈડરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાત્રીએ પતિનું મોત થયું હતું જ્યારે સારવાર દરમિયાન આજે પત્નીનું મોત થયું હતું. પરિવારના સામૂહિક આપઘાતમાં દંપતીનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ બાળકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
ત્રણેય બાળકોની હાલત હજુ ગંભીર
બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 44 વર્ષીય મોહનભાઈ જુંડાળા તથા 33 વર્ષીય કોકીલાબેન જુંડાળાનું અવસાન થયું હતું. સામૂહિક આપઘાતમાં બેના મોત થવાથી વડાલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, ત્રણેય બાળકો હજુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
વ્યાજખોરોના ત્રાસથી પરિવારે કર્યો આપઘાત
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત બાબતે સમાજ આક્રમક મૂળમાં જોવા મળ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ મેદાને પડ્યો છે. સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે જવાબદાર આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા સમાજે માગ કરી છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
સમાજ અને પરિવારની માંગને ધ્યાનમાં લઈ પોલીસ કડક કાર્યવાહી કરશે
પતિ પત્નીના મોત બાદ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જવાબદાર વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા સમાજે વિરોધ નોંધાવ્યો છે. વડાલી પોલીસ મથકે પતિ પત્નીના મૃતદેહ સાથે સગર સમાજ વિરોધ કરી રહ્યો હતો. સમાજ અને પરિવારની માંગણીઓને ધ્યાનમાં રાખી પોલીસ કાર્યવાહી કરશે. વડાલી પોલીસ અજાણ્યા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરશે.
વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાવવા છેલ્લા ત્રણ કલાક કરતાં વધુ સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. સમાજના આગેવાનો તેમજ પોલીસ વચ્ચે બેઠક બાદ સુખદ સમાધાન થયું છે. સમાજની માંગણીઓને ધ્યાને લઈ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતદેહોને હટાવવામાં આવ્યા છે. પોલીસ મથકે મૃતદેહો સાથે વિરોધ કર્યા બાદ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવા માટે સમાજ આખરે તૈયાર થયો છે.