ઇડરમાં રેલ્વેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. રેલ્વેની કામગીરીને પગલે છેલ્લા એક વર્ષથી જૂની ગટરો બંધ કરી દેવામાં આવી છે જેને કારણે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. ધીમી કામગીરીને પગલે દરરોજ અકસ્માતની ઘટનામાં પણ વધારો થયો છે.
ઇડરનો વિકાસ અટક્યો
હિંમતનગર-અંબાજીનો મુખ્ય હાઇવે ઇડરમાંથી પ્રસાર થતો હોવાથી રેલ્વેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. રેલ્વેના નવીનીકરણને પગલે જૂની ગટરો છેલ્લા એક વર્ષથી બંધ છે. હવે નવી ગટર ક્યા બનશે તેને લઇને લોકોમાં અવઢવ જોવા મળી રહી છે. રેલવે માટે ઇડરમાં અંડરબ્રિજ તો નવો બનાવી દીધો છે પણ પાણી બહાર કાઢવાની કોઇ સુવિધા નથી. અંડરબ્રિજમાં જો ચોમાસામાં વરસાદ વધારે પડે અને પાણી ભરાઇ જાય તો હિંમતનગર-ઇડરને જોડતો આ આખો માર્ગ પણ બંધ થઇ જાય તેવી હાલતમાં આવી ગયો છે.
ધીમી કામગીરીને પગલે રોજના 2-3 જેટલા અકસ્માતના બનાવો પણ સામે આવતા રહે છે. ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ નિષ્કર્ષ નીકળ્યું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ઇડરનો વિકાસ જાણે રજા પર ઉતરી ગયો હોય તેમ લાગે છે.પાલિકા વહીવટી અધિકારી પણ ખુદ સાતથી આઠ વખત કામગીરી જોઇને ગયા છે તેમ છતા પણ કોઇ નિકાલ આવ્યો નથી. લોકોએ હવે થોભો અને રાહ જોવાની સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે.