Sabarkanatha: સાબરકાંઠાના છેવાડા ગામોમાં અવાર-નવાર તાલિબાની સજા આપવામાં આવતી હોવાની ઘટનાઓ સામે છે. આ વિસ્તારમાં જાણે પ્રેમ કરવો ગુનો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠાથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમિકાને મળવા આવેલો યુવક ઝડપાઇ જતાં ગ્રામજનોને તેને માર મારી અને કપડાં ઉતારી આખા ગામમાં ફેરવ્યો હતો. એટલું જ નહી યુવક પાસે માફીપત્ર પણ લખાવવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં યુવાનને ગ્રામજનો દ્વારા તાલિબાની સજા અપાતાં તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે ગ્રામજનોએ યુવકને નગ્ન કરી ગામમાં ફેરવતા બબાલ મચી છે. યુવકને ઢોર માર મારીને ગામમાં ફેરવવા સાથે માફી પત્ર લખાવવામાં આવ્યો હતો.
ઈડરના જાદરના ચડાસના ગામે પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગામલોકોએ પકડી નગ્ન કરી ઢોર માર મારીને ગામમાં ફેરવ્યો હતો. યુવકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરંતુ આટલી મોટી ઘટના છતાં જાદર પોલીસ સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કર્યું હતું. તહેવાર ટાણે યુવાનને અર્ધ નગ્ન અવસ્થામાં અર્ધી રાત્રે ગામમાં ફેરવાતા પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનીય પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર ઉધતું ઝડપાયું છે. કારણ કે આ ઘટના બે દિવસ અગાઉ બની હોવા છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી.
જોકે આ ઘટના બે દિવસ અગાઉની છે, પરંતુ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ લીધી ન હતી. બીજી તરફ પ્રેમિકા પરણિત છે અને તેને યુવક મળવા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. તો યુવતીના સાસરીયાઓએ બન્નેને નિવસ્ત્ર હાલતમાં પકડી પાડયા હતા, સાબરકાંઠા એસપીએ ઈડર પોલીસને ગુનો નોંધવા માટે આદેશ આપ્યા છે.