સુરતમાં યુવક ઓનલાઈન તીનપત્તિમાં 12 લાખ હારી ગયો હતો. જેથી તેની ભરપાઈ કરવા માટે એસીના આઉટડોરની ચોરી કરનાર ઇસમને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ અલગ અલગ દુકાનના એસીના આઉટડોરની ચોરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીનું નામ ચેતન લખાણી છે અને તે સરથાણાની સિવાય હાઈટ્સમાં રહે છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે દોઢ વર્ષથી તે મોબાઇલમાં ઓનલાઇન તીન પત્તી ગેમ રમતો હતો. ગેમ રમવામાં ઓનલાઈન 12 લાખ રૂપિયા તે હારી ગયો હતો. 12 લાખ રૂપિયા હારી ગયા બાદ આરોપી ત્રણ મહિના પહેલા ઘર છોડી નીકળી ગયો હતો. ત્યારબાદ આરોપી શહેરમાં અલગ અલગ જગ્યા પર લાવારીસની જેમ વસવાટ કરતો હતો. પોતાનું ગુજરાન ચલાવવા તેને અલગ અલગ જગ્યા પરથી એસીના આઉટડોર કાઢી વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કર્યા હતા. જોકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે એસીના 10 આઉટડોર સાથે આરોપી ચેતન લખાણીની ધરપકડ કરી હતી.