
સુરતના GCAS (Government College Admission System)માં પ્રવેશ પ્રક્રિયા ધીમી હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ) દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને GCASના વિરોધમાં આંદોલન કર્યું અને તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે એવી માંગ ઉઠાવી છે.
ખાનગી યુનિ.માં પ્રવેશ લેવા વિદ્યાર્થી મજબૂર
ABVPના દાવા પ્રમાણે, સરકારી પ્રવેશ પોર્ટલ GCASમાં સર્જાતા ટેકનિકલ વિલંબના કારણે અનેક વિદ્યાર્થીઓને ઇચ્છિત કોલેજમાં એડમિશન નહીં મળતા તેઓ નોધારા બની ગયા છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓએ મજબૂરીમાં ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાનો નિર્ણય લીધો છે.
કુલપતિને રજૂઆત
આંદોલન બાદ ABVPના પ્રતિનિધિ મંડળ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી અને GCASની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે.