અકસ્માતમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અઠવા ગેટ પાસે પાંચ દિવસ પહેલા મોપેડને અન્ય બાઇક ટક્કર મારતા ઈજા પામેલા બેન્કના આસીસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયુ હતુ. બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો. બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેદ થઈ જવા પામી છે.
બેન્કથી ઘરે જતા હતા
નાનપુરામાં મસરત મંજીલ ખાતે રહેતા 46 વર્ષીય મુસ્તાક આલમ મોહમંદ સાકી રેતીવાલા ગત તા. 24મીએ રાતે ઘોડદોડ રોડ ખાતે કોટક બેન્કથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇકચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસ્તાકને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
પુત્રએ ગુમાવ્યા પિતા
મોપેડ ચાલક મસ્તકનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યુ હતુ. જયારે તે કોટક બેન્કમાં આસીસ્ટન્ટ મૅનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું સુત્રો જણાવ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ મોટા વરાછા વિસ્તારમાં પણ એક લક્ઝરી બસ દ્વારા રોડ ક્રોસ કરી રહેલા યુવકને લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.