
ડાયમંડ નગરી સુરતમાં પોલીસની જાણે માઠી બેઠી હોય તેમ ઉમરા પીઆઈ અને સરથાણા પોલીસ સ્ટેશન બાદ કતારગામ પોલીસ ભીંસમાં આવી છે. હીરાની ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપી હીરા દલાલને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મહિલા પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ સુરત કોર્ટે ઇન્કવાયરી રજીસ્ટર કરવા હુકમ કર્યો છે.
માર મારવાનો આરોપ
કતારગામમાં રહેતા વિશાલ ઘનશ્યામ ધામેલીયા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વિશાલ વિરુદ્ધ 50 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ પોલીસે વિશાલની ધરપકડ કરી હતી. પોલીસે વિશાલને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ વિશાલે પોલીસે તેની સાથે દૂર વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.વિશાલે પીઆઈ બી. કે. ચૌધરી, મહિલા પીએસઆઇ એન.એસ.સાકરીયા, પીઆઈ રાઈટર રમેશભાઈ, કોન્સ્ટેબલ વિપુલસિંહ વિરુદ્ધ કોર્ટમાં માર મારવાની ફરિયાદ કરી હતી.
સમાધાનના નામે માર માર્યો
વિશાલે આરોપ લગાવ્યો હતો કે, પેમેન્ટની ચીઠી ઉપર મારી બોગસ સહી કરવામાં આવી છે. છતાં પોલીસે ફરિયાદીને પેમેન્ટ અથવા હીરા ચૂકવી આપી સમાધાન કરી લેવાનું કહી પોતાને મારમાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.આ કેસના ફરિયાદીના ભાઈની સામે માર્યો હતો, આ ફરિયાદ ચાલી જતા કોર્ટે પીઆઈ, પીએસઆઇ, રાઈટર અને કોન્સ્ટેબલ સામે ઇન્કવાયરી રજીસ્ટર કરવા હુકમ કર્યો હોવાનું વકીલ મુકુંદ રામાણીએ જણાવ્યું હતું. કોર્ટે પોલીસ વિરુદ્ધ સમન્સ ઈશ્યૂ કરી દીધું છે. આગામી 25 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે તેવું વકીલ રામાાણીએ વધુમાં કહ્યું હતું.