
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ આકરા પાણીએ છે. દાદાનું બુલડોઝર છેલ્લા એક સપ્તાહથી ફરી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં એક પછી એક બુટલેગરોના નામ સામે આવતાં જ તેમના ગેરકાયદે મકાનોના બાંધકામ તોડવામાં આવી રહ્યાં છે. સુરતના ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રુટ સૈયદ (ફ્રુટવાલા)ના ગેરકાયદે એપાર્ટમન્ટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
સુરતના ફિરોઝ ફ્રુટવાલા વિરુદ્ધ 49 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેના વિરુદ્ધ 12 વખત પાસા પણ લાગુ કર્યો છે. સુરત મહાનગરપાલિકાએ તેની બિલ્ડીંગ સબારી એપાર્ટમેન્ટનો નીચેનો કેટલોક ભાગ હટાવી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના DCP, PI સહિતની ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી. એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામનો ભાગ જમીન દોસ્ત કરાયું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલની યાદીમાં નામ હતુ
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 15 બૂટલેગરોની યાદી બહાર પાડવામાં આવી હતી. રાજ્યના બુટલેગરોની સાથે સુરતના ત્રણ બૂટલેગરોના નામ હતા. ફિરોઝ ફ્રુટવાલા પર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો આરોપ હોવાથી આજની ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના નામચીન બૂટલેગરમાંથી એક ફિરોઝ ઉપરાંત મુન્ના લંગડા અને સલીમ ફ્રૂટ વાલાનું નામ પણ SMCએ પોતાની યાદીમાં સામેલ કર્યું હતું. યાદી મુજબ આ કાર્યવાહી કરાઈ છે. શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે સખત કાર્યવાહી કરી રહી છે અને આવી વધુ કાર્યવાહી આવનારા સમયમાં પણ થાય તેવી શકયતા છે.