
ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય, સુરત એકમ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ‘શ્રી સત્ય સાઇ અવતાર મહિમા અને ભજન સંધ્યા' (ફિલ્મ શો)ના કાર્યક્રમ દ્વારા સંગઠનની સેવા પ્રવૃત્તિઓનો લોકોને ખ્યાલ આપવામાં આવ્યો હતો. શાળા, મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવનલક્ષી માર્ગદર્શન અપાયું હતું. જરૂરિયાતમંદોને રાશન કીટનું તેમજ અન્ય જરૂરી ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દરેક ગામોમાં ઘરે ઘરે બાબાના ફોટોગ્રાફ-સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
100મો કાર્યક્રમ યોજાયો
છેલ્લા ૧૮ માસથી ચાલતા આ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના ૧૦૦ ગામોને આવરી લેવાયા હતા અને જન્મ શતાબ્દી મહોત્સવનો ૧૦૦મો રાજ્ય સ્તરીય કાર્યક્રમ રવિવાર તા. ૨૫ મેના રોજ બારડોલી સ્થિત કેદારનાથ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શ્રી સત્ય સાઈ સેવા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અને શ્રી સત્ય સાઈ ગ્લોબલ કાઉન્સિલના વાઇસ ચેરમેન નિમેષભાઈ પંડ્યા અને રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી સમયમાં શ્રી સત્ય સાઇ રથયાત્રા કાર્યક્રમ થકી રાજ્યભરના ગામે ગામ બાબાના અવતારનો મહિમા અને દિવ્ય પ્રેમનો સંદેશ લોકો થકી પહોંચાડવાનું આયોજન પણ કરાયું છે.
મેડિકલ સેવાઓ અપાઈ
'માનવ સેવા એ જ માધવસેવા' અને 'લવ ઓલ સર્વ ઓલ' તેમજ 'સર્વિસ ટુ મેનકાઈન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ' જેવા મંત્ર આપનાર સત્ય સાઈ બાબાએ જીવનભર સેવા કાર્યો કર્યા હતા અને હવે શ્રી સત્ય સાઈ સેવા સંગઠન દ્વારા દેશભરમાં અને શ્રી સત્ય સાઈ ગ્લોબલ કાઉન્સિલ દ્વારા વિશ્વભરમાં બાબાના જીવન મંત્ર અનુસાર સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. બાબાની જન્મભૂમિ પુટ્ટપર્થી અને બેંગ્લોર ખાતે અદ્યતન વિશાળ હોસ્પિટલો કાર્યરત છે. જ્યાં ખાસ કરીને હાર્ટ અને ન્યુરો જેવી જટિલ સર્જરીઓ સહિત તમામ પ્રકારની સર્જરીઓ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.