
સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી હતી. ગઇકાલે સાંજે એક 2 વર્ષનું બાળક સીવરના ખુલ્લા મેનહોલમાં પડી ગયું હોવાની માહિતી સામે આવી હતી. બાળકની ઓળખ કેદાર તરીકે થઇ હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો હતો. જો કે, સૌ કોઈની આશા પર પાણી ફરી વળી હોય તે રીતે વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાંથી બાળક મળી આવ્યું હતું. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યું છે.
લોકોમાં ફેલાયો રોષ
વરિયાવ વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું છે. ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસ સમાજના લોકોને સમજાવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે જે પણ અધિકારી કે કર્મચારી હશે તેમના વિરુદ્ધમાં જરૂરથી કાયદેસરની કાર્યવાહી થશે. પરંતુ હાલ રોડ ચક્કા જામ કરવા યોગ્ય નથી.
પાલિકાની બેદરકારીના આક્ષેપ
લોકોએ કહ્યું કે, અધિકારીઓને કોઈપણ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજ લાઈનનો પ્રોપર નકશો મળી શકે. પરંતુ અધિકારીઓ યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા નથી, તેના કારણે ફાયર વિભાગ ભલે મહેનત કરી રહ્યું હોય, પરંતુ પરિણામ સામે આવી રહ્યું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. અધિકારીઓ ગંભીરતા રાખી રહ્યા નથી એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે. ઝોનના અધિકારીઓ પણ ગંભીરતાપૂર્વક સમગ્ર ઘટનામાં ઝડપથી કાર્યવાહી કરી રહ્યા નથી. અમે એક સમાજ, એક તાકાત સાથે લડીશું અને દીકરાને ન્યાય અપાવી જવાબદારોને સજા કરાવીશું.