
સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ બાદ એક પાર્ટનરે અરજી કરી અને બીજા પાર્ટનરે મંજુર કરી હતી તેથી ફાયર એન.ઓ.સી. વિવાદમાં આવી હતી. પાલિકાએ ફાયર એન.ઓ.સી. આપનારી એજન્સીને પુરાવા સાથે હાજર થવા માટે તાકીદ કરી હતી. જોકે, ગઈકાલે સવારે એજન્સીનો પ્રતિનિધિ માત્ર એન.ઓ.સી. લઈ આવ્યો હતો. સી.એફ.ઓ.ની ઝાટકણી બાદ કાલે મોડી સાંજે એમ.ઓ.સી. આપનાર એજન્સીનો પ્રતિનિધિ મોકડ્રીલ, ઇન્સ્પેક્શન, તાલીમ સહિત તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજુ કર્યા તેની પાલિકાએ ખરાઈ કરી ક્લીન ચીટ આપી દીધી હતી. જો ફાયર એન.ઓ.સી. રિન્યુઅલની કામગીરી યોગ્ય હોય તો પછી આગ બુઝાવવાની ઘટનામાં પાલિકા તંત્રને મુશ્કેલી કેમ પડી તે તપાસનો વિષય બની ગયો છે.
ફાયર સિસ્ટમનો પનો ટૂંકો પડ્યો
સુરત શહેરમાં રિંગરોડ પરની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. સુરતની ફાયર સિસ્ટમ ગુજરાતની નંબર વન ફાયર સિસ્ટમ છે અને શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ બુઝાવવા માટે આ નંબર વન ફાયર સિસ્ટમનો પનો ટૂંકો પડ્યો હતો અને પાલિકાએ હજીરાના ઉદ્યોગ અને અન્ય જગ્યાએથી ફાયર ફાઈટર મંગાવવા પડ્યા હતા. ત્યાર બાદ ફાયર એન.ઓ.સી. મુદ્દે ભારે હોબાળો થયો હતો. ફાયર એન.ઓ.સી.ની અરજી ફાયર એન.ઓ.સી. આપનારાના પાર્ટનરે કરી હતી તેથી વિવાદ ઉભો થયો હતો.
ક્લિન ચીટ આપી
પાલિકાએ ફાયર એન.ઓ.સી. રિન્યુ કરનારા નિકુંજ પડસાલાને તમામ ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. પરંતુ મંગળવારે સવારે તે માત્ર એન.ઓ.સી. લઈ હાજર થયો હતો. સી.એફ.ઓ.ની કડકાઈ બાદ તે મંગળવારે મોડી સાંજે પાલિકાના ફાયર વિભાગ પાસે પુરાવા સાથે હાજર થયો હતો. પાલિકાના ફાયર વિભાગે કહ્યું હતું કે આ એજન્સીએ પોર્ટલ પર મોકડ્રીલ, ઇન્સ્પેક્શન, તાલીમ સહીત તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજુ કર્યા છે તેની ખરાઈ તંત્રએ કરી છે અને તેને ક્લીન ચીટ આપી છે. જોકે, અરજી માર્કેટના વેપારીએ કેમ કરી તેનો કોઈ ખુલાસો પાલિકા તંત્રએ કર્યો નથી.
વેપારીઓની હાલત કફોડી
આ ભીષણ આગને કારણે શિવ શક્તિ માર્કેટના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે અને અનેક વેપારીઓ રોડ પર આવી ગયાં છે. 800 કરોડથી વધુનું નુકસાન થયું છે અને બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પણ પ્રશ્ન ઉભો થયો છે. જો ફાયર એન.ઓ.સી. રિન્યુ કરી તે સમયે બધુ જ બરાબર હતું તો આગ સમયે કેમ પાલિકાની ગાડી જઈ ન શકી અને આગ કેમ ભીષણ બની તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.