
સુરતના રિંગ રોડ પર આવેલી શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટ 3 દિવસ આગમાં સળગીને કોલસો થઈ ગઈ છે. જેથી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે આગની દુર્ઘટનાના છઠ્ઠા દિવસે વેપારીઓને ધીમે ધીમે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમની હાજરીમાં અંદર પ્રવેશવા દેવામાં આવી રહ્યાં છે. જેથી વેપારીઓ આગમાં બચી ગયેલો સામાન બહાર કાઢી શકે.
પંચનામું કરાયું
શિવ શક્તિ ટેકસટાઇલમાં આગના છઠ્ઠા દિવસે પોલીસ, ફાયર વિભાગ, વેપારીઓને માર્કેટમાં લઈ ગયા હતા. જ્યાં ફાયર વિભાગ અને પોલીસે વેપારીઓને તેઓના બચેલા સામાન લીધા હતાં. તે ઉપરાંત ફાયર અને પોલીસે ત્યાંનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું. તથા FSL ટીમ પણ પોતાની કામગીરીમાં લાગી હતી. આગના કારણે માર્કેટનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી ખૂબ જ સાવચેતી પૂર્વક ધીરેધીરે કાર્યો કરવામાં આવી રહ્યા છે.
ભસ્મીભૂત થઈ માર્કેટ
હાલ માર્કેટના ઉપરના માળમાં કાપડ સહિતનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે. અમૂક દુકાનો સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગઈ છે. કોઈ જ સામાન બચ્યો નથી. રાખ હાથમાં આવે તેવા દ્રશ્યો છે. બીમ કોલમમાં લાગેલા લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યાં છે.